દિવ્યાંગ યુવકે તાઈવાન જામફળની ખેતીથી કરી અઢળક કમાણી

કદમ હોય અસ્થિર જેના એને રસ્તો જડતો નથી,
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.
આ કહેવતને સાર્થક કરી બતાવી છે પાટણના યુવાન ખેડૂત પાર્થ પટેલે..
શરીરથી દિવ્યાંગ પણ મેરૂ જેવા અડગ મનોબળ ધરવતા પાર્થભાઈએ પોતાની ખંતથી ખેતીમાં અઢળક સફળતા મેળવીને નવો રાહ કંડાર્યો છે. જન્મથી જ શારીરીક પડકારોનો હિંમતભેર સામનો કરી પાર્થ પટેલે તાઈવાન જામફળની ઓર્ગેનિક ખેતી કરી માત્ર ૧૮ મહિનાના ટૂંકા ગાળામાં મેળવ્યું રૂપિયા ૦૩ લાખનું ઉત્પાદન મેળવ્યુ છે. સાથે જ પ્રાયોગિક ધોરણે રેડ મલેશિયન જામફળ અને HRMN ૯૯ જાતના સફરજનની ખેતી શરૂ કરી છે.. 

કરો સ્માર્ટ ખરીદી.. બનો ફેસનેબલ..


ખેતીમાંને વેઠીયાઓનું કામ ગણી આજનો યુવા વર્ગ વ્હાઈટ કોલર જોબની ઘેલસા પાસળ પાગલ થઈ આંધળી દોટ મુકી રહ્યો છે. ત્યારે પાટણમાં રહેતા ૨૪ વર્ષિય દિવ્યાંગ યુવાન પાર્થ પટેલે બી.એસ.સી. એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યા બાદ ખેતીને વ્યવસાય તરીકે અપાનાવ્યો અને પિતા દિનેશભાઈની નર્સરીમાં કામ શરૂ કર્યું. તેઓ અત્યારે જામફળની પદ્ધતિસરની વાવણી અને માવજત થકી ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન લઈ સારા પ્રમાણમાં આવક મેળવી છે. શિક્ષિત દિવ્યાંગ યુવાને બાગાયતી ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિના પિયત, ઓર્ગેનિક ખેતી અને જામફળની ઓછી ચલણમાં હોય તેવી જાતના વાવેતરની પ્રયોગશીલતાનો સમન્વય સાધ્યો છે.


કઈ રીતે કરી તાઈવાન જામફળની ખેતી?

સરસ્વતિ તાલુકાના ચોરમારપુરા ખાતે પુત્ર પાર્થ પટેલે ગત વર્ષે અઢી વિઘા જમીનમાં ૧૫ x ૧૫ ના બ્લોકમાં ૨૨૧ જેટલા તાઈવાન જામફળના છોડની વાવણી કરી. પ્રથમ તો જમીનમાં ખાડા કરી તેમાં છાણીયું ખાતર તથા બોનમીલ નાંખી પિયત આપ્યું. થોડા સમય બાદ તેમાં જામફળના છોડ રોપી ડ્રીપ ઈરીગેશન દ્વારા પાણી આપવાનું શરૂ કર્યું. માત્ર અઢાર મહિનાના ટૂંકા ગાળામાં તાઈવાન જામફળના ૨૨૧ છોડમાંથી ૩૦૦૦ કિલો ઉત્પાદન મેળવ્યું. ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર અને મોટા કદના ફળના બજારમાં રૂ.૧૦૦ પ્રતિ કિલોનો ભાવ મળી રહ્યો. યોગ્ય વાવણી, માવજત અને પદ્ધતિસરની પિયતના કારણે પ્રથમ ઉત્પાદનમાં જ પાર્થ પટેલે રૂ.૦૩ લાખનું ઉત્પાદન મેળવ્યું.


તાઈવાન જામફળની ખેતીમાં કેટલી આવક થાય..

સામાન્ય રીતે વર્ષમાં એક વાર ઉત્પાદન આપતાં તાઈવાન જામફળની યોગ્ય પદ્ધતિથી ખેતી કરી પાર્થ પટેલ શિયાળો અને ઉનાળો એમ બે ઋતુમાં ઉત્પાદન મેળવશે. હાલ છોડ પર નવા ફ્લાવરીંગ બાદ ફળો આવવાનું શરૂ થતાં વાવેતરના ૧૮ મહિનામાં ૩૦૦૦ કિલોના ઉત્પાદન બાદ બીજા ચાર મહિનાના ગાળામાં બીજું ઉત્પાદન પણ લઈ શકશે.  પ્રથમ વર્ષે પ્લાન્ટ, ખાતર, મજૂરી તથા ડ્રીપ ઈરીગેશન સેટઅપ સહિતનો ખર્ચ બાદ કરતાં અઢી વિઘા જામફળની ખેતીમાંથી રૂ.૦૩ લાખના ઉત્પાદન સાથે રૂ.૧.૫૦ લાખ જેટલો નફો મેળવ્યો છે. ૨૦ થી ૨૫ વર્ષનું આયુષ્ય ધરાવતા જામફળના છોડમાં બીજા વર્ષથી ડ્રીપ ઈરીગેશન સેટઅપ અને પ્લાન્ટેશનનો ખર્ચ કરવાની જરૂરિયાત ન હોઈ નહિવત્ ખર્ચ થવાથી નફાનું પ્રમાણ પણ વધશે. 


રેડ મલેશિયન જામફળની પણ કરી રહ્યા છે ખેતી

પાર્થ પટેલે તાઈવાન જામફળની સાથે મલેશીયાથી મંગાવેલા રેડ મલેશીયન જામફળના સીડ્સમાંથી પ્રાયોગીક ધોરણે ૧૮ જેટલા છોડ તૈયાર કર્યા છે. જ્યારે બીજા સીડ્સ અન્ય ખેડૂતોને પ્રયોગ માટે આપ્યા છે. પાર્થ પટેલે પહેલા ઉત્પાદનને છોડ પર રહેવા દઈ તેના ફ્લાવરીંગ, ફળો અને ઉત્પાદકતાનો અભ્યાસ કર્યો. લાલ રંગના પાન ધરાવતા રેડ મલેશિયન જામફળના છોડ પર ફુલ અને ફળ બંને ગુલાબી રંગના આવે છે અને તેના ફળને કાપતાં તેની અંદરનો ભાગ પણ ગુલાબી રંગનો હોય છે. રેડ મલેશિયન જામફળ સ્વાદમાં તાઈવાન જામફળ કરતાં વધુ ગળપણવાળા આવે છે. તેનો બજાર ભાવ પણ તાઈવાન જામફળની સરખામણીએ વધુ મળી રહે છે.

સાથે સાથે સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં ઉગતા સફરજનની HRMN ૯૯ જાતના રોપા પણ તેમણે તૈયાર કર્યા છે. હિમાચલ પ્રદેશથી સફરજનના છોડની સ્ટીક મંગાવી તેની કલમ દ્વારા ૫૦૦ જેટલા રોપા તૈયાર કર્યા છે. કેટલા સમયમાં અને કેટલું ઉત્પાદન લઈ શકાય તે માટે હાલ પ્રાયોગીક ધોરણે તેની વાવણી શરૂ કરી છે.

ઓર્ગેનિક ખેત પદ્ધતિથી થાય છે વધુ ઉત્પાદન

વધુ ઉત્પાદન મેળવવાની લાલચે ખેતીમાં રાસાયણીક ખાતરો અને રાસાયણીક દવાઓનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે પાર્થ પટેલે ગાય આધારીત અને સંપૂર્ણ ઓર્ગેનિક ખેત પદ્ધતિથી વધુ ઉત્પાદન સાથે સારા બજારભાવ પણ મેળવ્યા છે. જામફળના પાકમાં તેઓ બોનમીલ, જીવામૃત અને છાણીયા ખાતરનો વપરાશ કરે છે. ડ્રીપ થકી અપાતા પિયતમાં નીમ ઓઈલનો ઉપયોગ તથા જંતુનાશક તરીકે ગૌમુત્ર, ૧૦ પર્ણી અર્ક અને લીંબોડીના તેલનો છંટકાવ કરે છે. જેનાથી ફળને નુકશાન થતું અટકવા સાથે તેનો કુદરતી સ્વાદ પણ જળવાઈ રહે છે.


બાગાયત ખેતીમાં કુલ ખર્ચના ૪૦ ટકા મળે છે સબસીડી

રાજ્ય સરકાર દ્વારા પ્રયોગશીલતાના આધારે બાગાયતી ખેતી શરૂ કરનાર દિવ્યાંગ યુવાન પાર્થ પટેલને આઈ-ખેડૂત પોર્ટલ થકી સહાય પૂરી પાડવામાં આવી છે. બાગાયતી પાકની ખેતી માટે પ્લાન્ટ, ખાતર, મજૂરી અને ડ્રીપ ઈરીગેશન સીસ્ટમની ખરીદી માટે થયેલા કુલ ખર્ચના ૪૦ ટકા એટલે કે રૂ. ૯૦,૦૦૦ જેટલી સબસીડીની રકમ બાગાયત વિભાગ દ્વારા ચૂકવવામાં આવી. સાથે સાથે બાગાયત બાગાયત વિભાગના અધિકારીઓએ રૂબરૂ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું છે. 


Comments