ગુજરાતમાં પાણીની સમસ્યા કોના કારણે, ભાજપ કે કોંગ્રેસ?


નર્મદા ડેમ અને પાણી મુદ્દે કોંગ્રેસના શાસન અને તેના નેતાઓને ભાંડવામાં કોઇ કસર ન છોડનાર ભાજપ સરકાર આ વર્ષે પાણીની અછત મુદ્દે બેકફૂટ પર આવી ગઇ છે. ચૂંટણી હોય કે ન હોય. ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ સતત એવો પ્રચાર કરતા રહ્યા છે કે 1995 પહેલાના કોંગ્રેસના રાજમાં કોઇ વિકાસ નથી થયો. કોંગ્રેસના પાપે જ નર્મદા યોજના પૂર્ણ કરવામાં વર્ષો નીકળી ગયા. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે. રાજ્યના મોટા ભાગના ડેમ 1995 પહેલા એટલે કે કોંગ્રેસ તેમજ અન્ય સરકારોના શાસનમાં જ બનાવાયા છે.


રાજ્યના મહત્વના જિલ્લાઓમાં આવેલા ડેમની વાત કરીએ તો. રાજકોટ જિલ્લામાં કુલ 11 ડેમ છે. જે પૈકી 9 ડેમ 1995 પહેલા બનાવાયા છે. જ્યારે કે 2 ડેમ 2003માં બન્યા છે. તો પોરબંદર જિલ્લાના તમામ 5 ડેમ 1995 પહેલા બન્યા છે. તો જામનગર જિલ્લાના કુલ 7 ડેમ પૈકી 6 ડેમનું નિર્માણ 1995 પહેલા જ થઇ ચૂક્યું હતું. જ્યારે કે 1 ડેમ 2010માં બનાવાયો છે. બીજી તરફ સુરત જિલ્લામાં 1995 પછી સત્તામાં રહેલી ભાજપ સરકાર દ્વારા એક પણ ડેમ નથી બનાવાયો.

આ જ સ્થિતિ ગીર સોમનાથ અને પંચમહાલ જિલ્લાની છે. ગીર સોમનાથ જિલ્લાના કુલ 5 ડેમ અને પંચમહાલ જિલ્લાના કુલ 17 ડેમ પૈકી એક પણ ડેમ 1995 બાદની ભાજપ સરકારે નથી બનાવ્યો. તો અમરેલી જિલ્લાના 7 ડેમ પૈકી 3 ડેમ 1995 પછીની ભાજપ સરકાર દ્વારા બનાવાયા છે.


મહેસાણાના 2 ડેમ પૈકી મહત્વના ધરોઇ ડેમનું નિર્માણ 1978માં કરવામાં આવ્યું હતું. તો મહિસાગર જિલ્લાના તમામે તમામ 20 ડેમ 1995 પહેલાની કોંગ્રેસ સરકારના રાજમાં જ બન્યા છે. તો મોરબીના કુલ 10 ડેમ પૈકી 7 ડેમ 1995 પહેલા બન્યા છે. જ્યારે 3 ડેમ ભાજપે બનાવ્યા છે.

ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમનો આખરી તબક્કો 2017માં પૂર્ણ થયો છે. જ્યારે નર્મદાના બાકીના 3 ડેમ તો 1995 પહેલાની સરકાર દ્વારા બનાવાયા છે. તો ભાવનગર જિલ્લાના કુલ 7 ડેમ પૈકી ફક્ત એક ડેમ 2007માં બન્યો છે. જ્યારે બાકીના 6 ડેમ 1995 પહેલાની સરકાર દ્વારા બનાવાયા છે. તો દેવભૂમિ દ્વારકામાં કુલ 5 ડેમ પૈકી 4 ડેમ 1995 પહેલા નિર્માણ પામ્યા છે.


જ્યારે 1995 પછી ફક્ત એક જ ડેમ બન્યો છે. તો સાબરકાંઠામાં પણ 4 ડેમ પૈકી એક ડેમ 2009માં બન્યો છે. જ્યારે બાકીના 3 ડેમ 1995 પહેલાની સરકારોએ બનાવ્યા છે. સુરેન્દ્રનગરના 5 ડેમ પૈકી 4 ડેમ 1995 પહેલા નિર્માણ પામ્યા છે. જ્યારે કે એક જ ડેમ 1999માં બનાવાયો છે. અને છોટાઉદેપુરના તમામ 12 ડેમ 1995 પહેલા જ નિર્માણ પામ્યા છે.

રાજ્યમાં હાલમાં પાણીનો મુખ્ય સ્ત્રોત નર્મદા છે. પરંતુ જો ભાજપ સરકાર દ્વારા છેલ્લા 22 વર્ષમાં વધુ ડેમ બનાવાયા હોત તો પાણીનો વેડફાટ ન થાત અને ખેડૂતો તેમજ પ્રજાએ પાણીની અછત ભોગવવાનો વારો ન આવત. કોંગ્રેસ 1995 પહેલાના નર્મદા સહિતના વિવિધ ડેમ મુદ્દે વિકાસ થયો હોવાનું જણાવે તો છે. પરંતુ ભાજપના આક્રમક પ્રચાર અને રણનીતિ સામે કોંગ્રેસનો અવાજ દબાઇ જાય છે.


Comments