- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
કેન્દ્રની ભાજપ સરકારની અણઘડ નીતિઓના કારણે ભારતના અર્થતંત્રમાં છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના પરિણામે દેશમાં રોજગારી ક્ષેત્રે અત્યંત ચિંતાજનક ચિત્ર બહાર આવ્યું છે. કરોડો યુવાઓને ઉચ્ચ ડિગ્રી મેળવ્યા પછી પણ કોઈ નોકરી ન મળતાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પકોડા વેચવા પણ એક પ્રકારનો રોજગાર છે તેમ કહીને શિક્ષીત યુવકોની મજાક ઉડાવી રહ્યા છે. વડાપ્રધાનના આ નિવેદનને સમર્થન કરતું વિધાન ભાજપના પ્રમુખ અમિત શાહે પણ સંસદમાં કરતાં રોજગાર મામલે પૂરા દેશમાં મજાક શરૂ થઈ ગઈ છે. દેશના શ્રમ મંત્રાલયમાંથી મળેલા આંકડાઓ પ્રમાણે, દેશમાં રોજગારીની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. અહેવાલ પ્રમાણે દેશમાં રોજ ૫૫૦ નોકરી ખતમ થઈ રહી છે અને આજે ૧૨ કરોડ લોકો બેરોજગારીના ખપ્પરમાં છે.
આંકડાના સંદર્ભે જોઈએ તો ભારત આજે દુનિયાનો સૌથી વધુ બેરોજગારો ધરાવતો દેશ બની ગયો છે. ભારતની ૧૧ ટકા વસતી એટલે કે ૧૨ કરોડ લોકો બેરોજગાર છે. ૨૦૧૫-૧૬ના વર્ષમાં બેરોજગારીનો દર પાંચ વર્ષના સૌથી ઉચ્ચત્તમ સ્તરે પહોંચી ગયો છે. ૨૦૧૫માં દેશમાં ફક્ત ૧,૩૫,૦૦૦ લોકોને જ નોકરી મળી હતી. ચાર વર્ષથી ૫૫૦ નોકરીઓ રોજેરોજ ઓછી થઈ રહી છે. આ ચાર વર્ષમાં મહિલાઓમાં બેરોજગારીનું પ્રમાણ ૮.૭ ટકાના દરે વધ્યું છે. શ્રમરોજગાર મંત્રાલયનો રિપોર્ટ કહે છે કે સ્વરોજગારીની તકો પણ દેશમાંથી ઓછી થઈ છે અને તેને કારણે પણ નોકરીઓનું પ્રમાણ ઘટી ગયું છે.
બીજી તરફ, ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન(ILO)નો અહેવાલ કહે છે કે ૨૦૧૮ના વર્ષમાં ભારતમાં બેરોજગારી ૩.૫ ટકાના દરે વધી શકે છે. આ દર ૨૦૧૬-૧૭ના વર્ષ જેટલો જ છે. ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે, સમગ્ર વિશ્વમાંથી ત્રણ વર્ષમાં પહેલી વખત બેરોજગારીનો દર ઓછો થવાનો છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, ભારતમાં ૨૦૧૮માં વધુ ૧.૮૬ કરોડ જ્યારે ૨૦૧૯માં ૧.૯૦ કરોડ લોકો બેરોજગાર બનવાના છે. ૨૦૧૭માં આ સંખ્યા ૧.૮૩ કરોડની હતી.
પહેલી ફેબ્રુઆરીએ મોદી સરકારનું ચોથું બજેટ રજૂ કરતાં નાણામંત્રી અરુણ જેટલીએ એવો સંકેત આપ્યો હતો કે, ભારતના જોબ માર્કેટમાં અંતે સુધારો થઈ રહ્યો છે અને તેમાં તરલતા આવી રહી છે. જો કે આ બાબત માત્ર દિવા સ્વપ્ન સમાન છે. વાસ્તવમાં નવી રોજગારી સર્જાવાની જગ્યાએ જે રોજગારીઓ છે તે પણ ઘટી રહી છે. મોદી સરકારના અનેક દાવાઓ વચ્ચે જમીન પર કોઈ પરિણામ જોવા મળી રહ્યુ નથી. જેના કારણે યુવકો હતાશ થઈ રહ્યા છે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment