- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
પાટણ જિલ્લાના વઢિયાર પંથકના વરાણા શક્તિપીઠમાં લોકદેવી મા ખોડલનો વિખ્યાત લોકમેળો આજકાલ હજારો ભાવિકોની હરખમઢી ઉપસ્થિતિનો સાક્ષી બને છે. દર વર્ષે મહાસુદ એકમથી પૂનમ સુધી માતાજીનો મહામેળો તેના પારંપારિક મહિમા અને હર્ષોલ્લાસથી વચ્ચે ઉજવાય છે. પંદર દિવસ ચાલતા આ ભાતીગળ લોકમેળામાં આઠથી દસ લાખ ભાવિકો માતાજીના દર્શનનો લાભ લઇ કૃતકૃત્ય બને છે. માતાજીને તલ, સાકર કે તલ-ગોળની સવા મણની સાંની ચડાવવાનું અનેરું મહાતમ્ય છે. જે પુત્ર કે પુત્રીના પ્રસવ કે દિકરાના લગ્ન પ્રસંગે જોડલાના દર્શન કરાવવા નિમિત્તે માતાજીને નૈવેદ્ય તરીકે સાદર કરાય છે. મહાસુદ આઠમ પંથકમાં ખોડીયારની આઠમ તરીકે વિખ્યાત છે.
મેળા દરમિયાન સાતમ-આઠમના દિવસો દરમિયાન વિશાળ જનમેદની ઉમટે છે. દર્શનાર્થીઓની કતારો જામે છે. લોકમેળો વઢીયાર સહિત પાટણવાડા પંથકના લોકજીવનની આરસી સમાન છે. મેળામાં હરખભર્યું લોકજીવન મેળાની સંગતમાં ભાવતદ્રુપ બની રહે છે. મેળામાં અઢારેય વરણ અનેરી શ્રદ્ધા-ઉલટથી ભાગ લે છે. પારંપારિક પહેરવેશ, દરદાગીના, ઢોલના ધુબાકા, ગરબા, ગીતો ગાણાની બઘડાટી અને હિલોળા લેતું યૌવન મેળાની અમીરાત અજવાળે છે.
મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી ચંડીદાન ગઢવી, મેનેજરશ્રી નાગરભાઈ આચાર્યે મેળાની વિગતો આપતાં જણાવ્યું કે મેળામાં ટ્રાફીક, સ્વચ્છતા, સુખાકારી, કાયદો-વ્યવસ્થા, સેનીટેશન અને પીવાના પાણીની સારી વ્યવસ્થા જળવાઈ છે. વરાણા ગ્રામ પંચાયત, મંદિર પ્રબંધન, પોલીસ અને તાલુકા વહીવટીતંત્રનું ટીમવર્ક મેળાને શાનદાર સફળતા બક્ષે છે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment