દહેગામ બંધને કેટલી મળી સફળતા?


કરણીસેના અધ્યક્ષ લોકેન્દ્રસિંહ દ્વારા આજે રીલીઝ થવા જઈ રહેલી ફિલ્મ પદ્માવત વિરુધ્ધ થિયેટરો પર જનતા કરફ્યુ કરવા માટે આહ્વાહન કરવામાં આવ્યુ હતુ. જેમાં બજરંગ દળ, વિહીપ સહીત દેશભરના હિંદુ સંગઠનો જોડાતા આ બંધ ભારત બંધમાં પરીણમ્યુ હતુ. ગુજરાતના અનેક સ્થળો એ બંધની અસર જોવા મળી હતી.



જો દહેગામની વાત કરવામાં આવે તો પહેલી નજરે બંધ અસરકારક રહ્યુ હતુ. દહેગામમાં પહેલાથી જ રુષિલ મોલ દ્વારા ફિલ્મ રીલીઝ નહી કરવાની જાહેરાત કરી દેવાઈ હતી જો કે દહેગામ બંધ દરમિયાન પણ રુષિલ મોલ ખુલ્લો જ રહ્યો હતો. યુવા ક્ષત્રિય સેના દ્વારા દહેગામમાં આગેવાની લઈ દહેગામમાં ખુલેલી કેટલીક દુકાનો બંધ કરવા માટે પ્રયત્ન કરાયા હતા. જેના પરિણામ સ્વરુપ મોટાભાગના બજારોમાં દુકાનો શટર પડેલી હાલતમાં દ્રશ્યમાન થઈ રહી હતી. છૂટક પાન ગલ્લા અને લારી છોડી લગભગ દરેક સ્થળે બંધની અસર જડબેસલાક પણે દેખાઈ રહી હતી જેમાં ક્યાંક ને ક્યાંક ડર અને ફિલ્મ તરફનો વિરોધ પણ શામેલ રહ્યા હતા.



ઉલ્લેખનીય છે કે પદ્માવતી ફીલ્મના વિરોધમાં દહેગામ ખાતે યુવા ક્ષત્રિય સેના અને અન્ય હિંદુ સંગઠનો દ્વારા બુધવારના રોજ મામલતદારને આવેદનપત્ર આપીને  બંધની જાહેરાત કરાઈ હતી. આજે સવારના સમયે આવશ્યક ચીજવસ્તુઓ માટેની દુકાનોને છોડી દેતા બજારો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. અમદાવાદમાં બુધવાર રાત્રે ઘટેલી ઘટનાઓના પગલે બંધના એલાન દરમિયાન છમકલા થવાની આશંકાઓ સેવાઈ રહી હતી. જેના પગલે દહેગામ પોલીસ પણ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતર્ક બની હતી. એકંદરે લોકોએ સ્વયંભૂ રીતે જડબેસલાક બંધ પાડ્યો હતો. સાથે જ દહેગામ પોલીસની સતર્કતાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બનવા નહોતી પામી.



Comments