વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટોચની નેતાગીરીના હારના કારણો શું છે?



ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભલે અગાઉની ચૂંટણીઓ કરતા મજબૂત હોય અને પરિણામમાં ભલે કોંગ્રેસને વધુ બેઠકો મળી હોય, પરંતુ કોંગ્રેસના 4 દિગ્ગજ નેતાઓએ ફરી એક વખત હારનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે તેમની રાજકીય કુનેહ પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

કોંગ્રેસના એવા ચાર દિગ્ગજ નેતા કે જેમના સહારે કોંગ્રેસ તેની 22 વર્ષથી ડૂબતી આવેલી નૈયા પાર લગાવવા માંગતી હતી, પરંતુ ચૂંટણીમાં આ ચારેય નેતાઓની જ હાર થતાં જ કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાઇ ગયો છે. રાહુલ ગાંધીના પ્રવાસો શરૂ થતાં જ આ ચારેય નેતાઓ સાથે જોવા મળતા હતા. પરંતુ જેવી ટિકીટોની વહેંચણી થઇ અને તેમને તેમની બેઠક મળી ગઇ એટલે આ તમામ નેતાઓ અન્ય ક્યાંય પ્રચાર કરતા જોવા ન મળ્યા. ફક્ત પોતાની જ બેઠક સાચવી રાખનાર આ નેતાઓની હાર થતાં તેમની રાજકીય કૂનેહ પર પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

કોંગ્રેસના ટોચના નેતા અર્જુન મોઢવાડિયા તેમની પરંપરાગત બેઠક પોરબંદર પરથી ફરી એક વખત હારી ગયા. રાજ્ય સરકારના પ્રધાન બાબુ બોખિરીયા અને અર્જુન મોઢવાડિયા વચ્ચેના ખરાખરીના જંગમાં અર્જુન મોઢવાડિયાની હારનું કારણ બન્યું છે નોટા. બાબુ બોખીરિયાની જીત 1858 મતથી થઇ છે. જ્યારે તેની સામે નોટાની સંખ્યા 3433 હતી. આ ઉપરાંત બીએસપીને પણ 4337 મત મળ્યા છે. અર્જુનભાઇ જેવા અનુભવી નેતા પણ બીએસપીના ઉમેદવાર સામે માઇક્રો પ્લાનીંગ કરી ન શકતા તેમણે ફરી હારનો સામનો કરવો પડ્યો છે.



તો વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા શક્તિસિંહ ગોહિલ 2012ની ચૂંટણી હાર્યા બાદ પેટા ચૂંટણીમાં જીત્યા હતા. પરંતુ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત શક્તિસિંહે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. 2017ની ચૂંટણીમાં શક્તિસિંહને ભાવનગર કે માંડવી એમ બે પૈકી કઇ બેઠક પર લડાવવા તે દ્વિધા હતી. હાઇકમાન્ડ દ્વારા તેમને માંડવી બેઠક પર લડાવવામાં આવ્યા અને તે ફરી હારી ગયા. કચ્છમાં વિવિધ સમાજોના મતદારોએ ભાજપના જ સ્થાનિક અને ક્ષત્રિય ઉમેદવાર વિરેન્દ્રસિંહને જીતાડ્યા છે. હોમ ગ્રાઉન્ડ છોડીને અન્ય બેઠક પર સમીકરણો બેસાડવામાં નિષ્ફળતા મળતા શક્તિસિંહની હાર થઇ છે.



પૂર્વ મુખ્યપ્રધાનના પુત્ર પાટીદાર ફેક્ટરની અસર અને લઘુમતી મતદાતાઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોવા છતાં પણ સિદ્ધાર્થ પટેલની ડભોઇ બેઠક પરથી હાર થઇ છે. ભાજપના ઉમેદવાર શૈલેષ સોટ્ટા સામે સિદ્ધાર્થ પટેલની હાર ફક્ત 2869 મતથી થઇ છે. જ્યારે કે નોટામાં જ 3 હજાર કરતા વધુ મત પડ્યા છે. આ સિવાય અપક્ષ ઉમેદવારો પણ 4 હજાર જેટલા મત લઇ ગયા છે. ભાજપ ઉમેદવારની મતોના ધ્રુવીકરણની નીતિને ખાળવામાં તેમજ માઇક્રો પ્લાનિંગમાં નિષ્ફળતાને કારણે સિદ્ધાર્થ પટેલની હાર થઇ છે.

તો પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરી પણ તેમની પરંપરાગત બેઠક અને વતન વ્યારા છોડીને મહુવા બેઠક પરથી ચૂંટણી લડ્યા, પરંતુ ત્યાં પણ તેમની હાર થઇ છે. કેન્દ્રીય પ્રધાન રહ્યા એ સમયગાળામાં લોકસંપર્ક તૂટવો. આયાતી ઉમેદવાર હોવાના કારણે સ્થાનિક કોંગ્રેસીઓની નિષ્ક્રિયતા, તેમજ ચૌધરી મતદાતાઓ કરતા ઢોડિયા મતદારોનું પ્રભુત્વ અને આદિવાસી નેતા હોવા છતાં આદિવાસી વોટબેંકને પોતાની તરફ ખેંચવામાં નિષ્ફળતા મળતા તુષાર ચૌધરીની હાર થઇ છે.

કોંગ્રેસની સ્થિતિ રાજ્યમાં સુધરી છે, પરંતુ ચાર મોટા દિગ્ગજ નેતાઓ પોતાની બેઠકો હારી જતાં કોંગ્રેસ જરૂરથી હવે નવી નેતાગીરી સમક્ષ નજર કરશે. કારણ કે ચારેય દિગ્ગજોને અન્ય જવાબદારીઓમાંથી મુક્ત રખાયા હતા અને માત્ર તેમની બેઠકો જ તેમને જીતવાની હોવા છતાં તેઓ તેમની બેઠકો પણ સાચવી શક્યા નથી અને કોંગ્રેસ જીતની નજીક આવીને અટકી ગઈ છે.

Comments