ભાજપનો નવો પ્રદેશ પ્રમુખ બનશે ઓબીસી ચહેરો




- મહેશ ચૌધરી, અણહિલપુર

ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ અત્યારે પરિણામોનું ચિંતન શરૂ કરી દેવામાં આવ્યુ છે. રાજ્યમાં ભાજપ સત્તા મેળવવામાં તો સફળ રહી છે. જો કે પાર્ટીનું પ્રદર્શન કથળ્યુ છે. ત્યારે ૨૦૧૯ની લોકસભાની ચુંટણી પહેલા પાર્ટીને રાજ્યમાં ફરીથી મજબુત બનાવવાનો મોટો પડકાર ભાજપ સામે ઉભો છે. ચુંટણીના પરિણામોની સમીક્ષા બાદ એવી માહિતી સામે આવી છે કે આગામી સમયમાં પાર્ટીને વધુ મજબુત બનાવવા માટે પ્રદેશ સંગઠનમાં ધરખમ ફેરફારો કરવામાં આવશે. 




એવી ચર્ચા ચાલી રહી છે કે ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને સંગઠનમાંથી સરકારમાં લઈ જવાશે. પ્રદેશ પ્રમુખના બદલે તેમને કેબીનેટમાં સ્થાન આપવામાં આવશે. ત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે નવો ચહેરો લાવવામાં આવી શકે છે. ભાજપ હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખ માટે પાટીદાર નેતાને બદલે અન્ય કોઈ જ્ઞાતિ કે સમાજ પર સારી પક્કડ ધરાવનાર અને પ્રભાવશાળી હોય તેવા નેતાને મુકવા કમર કસી છે. ર૦૧૮માં રાજયસભાની ચૂંટણી આવી રહી છે અને ર૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અન્ય સમાજ જે ભાજપથી ધીરે ધીરે વિમુખ થઈ રહયો છે એવા સમાજમાંથી કોઈ એક નેતાને પ્રદેશ પ્રમુખપદ સોંપવામાં આવે તેવી શકયતા પૂરેપૂરી છે. ભાજપ હવે આવનારી ચૂંટણીમાં કોઈ ચાન્સ લેવા માગતો નથી. 



આવા નામોમાં અત્યારે પૂર્વ આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરીનું નામ સૌથી મોખરે ચાલી રહ્યુ છે. તેઓ તાજેતરમાં બનાકાંઠાના વાવ બેઠક પરથી વિધાનસભાની ચુંટણીમાં નજીવા અંતરે ગનીબેઠ ઠાકોર સામે હાર્યા છે. જો કે શંકરભાઈ ચૌધરી પોતાના સમાજ અને ભાજપ સંગઠન પર મજબુત પકડ ધરાવે છે તેમાં કોઈને શંકાને સ્થાન છે નહી. ચુંટણી હાર્યાબાદ બનાકાંઠાના સુઈગામ ખાતે તેમણે કરેલ શક્તિપ્રદર્શન તે વાતની સાબિતી આપે છે. આ ઉપરાંત શંકરભાઈ ચૌધરી પ્રભાવશાળી વ્યક્તિત્વ અને ઓબીસી સમાજની બીજી જ્ઞાતીઓ પર પણ પ્રભુત્વ ધરાવે છે. 



શંકરભાઈ ચૌધરીનું બીજુ જમા પાસુ એ છે કે તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના અત્યંત વિશ્વાસુ ગણાય છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરવાનો અનુભવ પણ ધરાવે છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલ પુર દરમિયાન તેમણે કરેલ કામગીરીની નોધ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી હતી. જે બાબત ભાજપ પ્રમુખ પદે શંકરભાઈ ચૌધરીની દાવેદારી વધુ મજબુત બનાવે. 



ઉત્તર ગુજરાત અને રાજયની અન્ય કેટલીક સીટ પર ઓબીસી મતદારો ભાજપની પડખે રહયા છે એટલે સંગઠનમાં આ વખતે ઓબીસી નેતાઓને વધુ મહત્વ અપાય તેવી શકયતા વ્યકત થઈ રહી છે. આ ફોર્મ્યુલા ભાજપને ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ફાયદો કરાવશે તેવુ ગણીત મુકવામાં આવી રહયુ છે.







  

Comments