૧૩૩ વર્ષ જુની કોંગ્રેસ પાર્ટીની અવિરત ગૌરવગાથા..


- મહેશ ચૌધરી, અણહિલપુર

પોતાનો જનાધાર ફરી મેળવવાના પ્રયત્નોમાં લાગેલ દેશની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ ૨૮ ડિસેમ્બરે પોતાનો ૧૩૩મો સ્થાપના દિવસ ઉજવશે. કોંગ્રેસ પાર્ટી એ એક પાર્ટી જ નહી એક વિચારધારા છે. જેણે દેશને ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ૨૮ ડિસેમ્બર ૧૮૮૫નાં રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ હતી. અત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી છે. જ્યારે તેમના માતા સોનિયા ગાંધી દેશની સૌથી મોટી પાર્ટીના સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ રહેવાનો રેકોર્ડ ધરાવેે છે. ૧૩૨ વર્ષમાંથી પાર્ટીમાં લગભગ ૪૩ વર્ષ સુધી નહેરુ ગાંધી પરિવારના સભ્યો અધ્યક્ષ રહ્યા છે.


નહેરુ પરિવારમાંથી સૌથી પહેલા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુ વર્ષ ૧૯૧૯માં પાર્ટીના અધ્યક્ષ ચુંટાયા હતા. તેઓ ૧૯૨૯માં ફરી પાર્ટીના અધ્યક્ષ પદે ચુંટાઈ આવ્યા હતા. બંન્ને સમયે તેઓ લગભગ એક-એક વર્ષ સુધી તેઓ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા. મોતીલાલ બાદ તેમના પુત્ર જવાહરલાલ નહેરુ લાહોર અધિવેશનમાં કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. નહેરુ વખત ૧૯૩૦, ૧૯૩૬, ૧૯૩૭, ૧૯૫૧, ૧૯૫૩ અને ૧૯૫૪માં કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા


પંડિત નહેરુની પુત્રી ઈન્દિરા ગાંધી બે વખત પાર્ટીના અધ્યક્ષ રહ્યા હતા. ઈન્દિરા ૧૯૫૯માં પ્રથમ વખત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. ૧૯૭૮માં તેઓ ફરી કોંગ્રેસ અધ્યક્ષ પદે ચુંટાઈ આવ્યા હતાઈન્દિરા ગાંધી બાદ તેમના પુત્ર રાજીવ ગાંધી ૧૯૮૪માં કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા અને ૧૯૯૧ સુધી અધ્યક્ષ પદે રહ્યા હતા


રાજીવ ગાંધીના નિધન બાદ નહેરુ-ગાંધી પરિવારે લાંબા સમય સુધી કોંગ્રેસથી સલામત અંતર રાખ્યુ હતું. જો કે કોંગ્રેસની સાર્વજનીક માંગણીને માન આપીને ૧૯૯૮માં રાજીવ ગાંધીના પત્ની સોનિયા ગાંધીએ પાર્ટીની કમાન સંભાળી હતી.


આજે કોંગ્રેસ ભલે પોતાના સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહી હોય, પરંતુ દેશને અંગ્રેજોના સાશનમાંથી મુક્ત કરાવવામાં પાર્ટીના યોગદાનને ભુલી શકાય તેમ નથી. આઝાદી બાદ પણ દેશને વિકાસના પથપર અગ્રેસર બનાવવામાં કોંગ્રેસનો નોધપાત્ર ફાળો રહેલો છે. ભારતની આઝાદી માટે રાજકીય ચળવળનો પાયો કોંગ્રેસે રચ્યો હતો. દેશના બંધારણથી લઈને દરેક વ્યવસ્થા કોંગ્રેસ સરકારની આપેલી દેન છે. દેશનાં સૌથી મહત્વપૂર્ણ નેતાઓ તે આઝાદીની ચળવળ સમયના હોય કે પછી આઝાદીબાદ કોંગ્રેસ સાથે જોડાયેલા જોવા મળશે.


મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે પછી સુભાષ ચંન્દ્ર બોઝ તમામે પોતાના રાજકીય જીવનની શરૂઆત કોંગ્રેસથી કરી હતી. પાર્ટીજ લોકોનાં આઝાદ ભારતના સ્વપ્નનુ માધ્યમ બની હતી અને ૧૯૪૭માં દેશને આઝાદી અપાવીને કોંગ્રેસ સાચા અર્થમાં રાષ્ટ્રવાદી પાર્ટી બની હતી

અત્યારે દેશની સૌથી જુની પાર્ટી પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. પરિવર્તન સંસારનો નિયમ છે જે હમેંશા ફળદાઈ હોય છે. દેશની આઝાદીની વિરાસતને સાચવીને રાખવી માત્ર કોંગ્રેસના નેતાઓની નહી દેશના ૧૨૫ કરોડ લોકોની પણ ફરજ છે. દેશના મુખ્ય રાજકીય પ્રવાહમાં કોંગ્રેસ સક્રિય ભુમિકામાં રહે તે આજની લોકશાહીની માંગ છે.

Comments