ધર્મના નામે મોતના મેળાવડાઓ ક્યાં સુધી લાગશે?


ભારત એટલે ધાર્મિક આસ્થાઓના સમુદ્ર સમાન દેશ. અલગ-અલગ ધર્મ, સંપ્રદાય, સંસ્કૃતી ધરાવતા લોકો મેળાવડો. વળી આ જ વિવિધતા ભારતીય સંસ્કૃતીની શાન ગણાય, પરંતુ શાન ક્યારેક સમસ્યાઓનુ કારણ બની જતી હોય છે. દેશમાં દરવર્ષે અલગ અલગ સંપ્રદાયોના ધાર્મિક મેળાવડા યોજાય છે અને તેમાં સર્જાતી ભાગદોડ જેવી ઘટનાઓમાં અનેક લોકોના મોત થાય છે. સવાલ માત્ર એટલો નથી કે આ ઘટનાઓ કેમ બને છે? સવાલ એ પણ છે કે આટલી મોટી ભીડ એકઠી કરવાની મંજુરી કેમ આપવામાં આવે છે? ધર્મની આડમાં લોકોના જીવ સાથેની રમત વ્યાજબી ગણી શકાય? ધર્મની આવી આંધળી ભીડમાં મોત શિવાય બીજુ મળે છે શું?
ધાર્મિક મેળાવડાઓમાં લોકો જે ઉપદેશ મેળવા લોકો જતા હોય છે જે ટીવી જેવા માધ્યમોથી પણ સિદ્ધ કરી શકાય તેમ છે. તો પછી મેળાવડાઓ યોજીને લોકોના જીવ સાથે રમત શા માટે? દરવર્ષે દેશ અને દુનિયામાં લાખોની સંખ્યામાં ધાર્મિક મેળાવડાઓના આયોજન થાય છે. આવા આયોજનોમાં ભાગદોડ અને તેમાં થતા લોકોનાં મોત એટલી હદ્દે વધ્યા છે કે લોકો પણ તેને સામાન્ય ઘટનાઓ સમજવા લાગ્યા છે. દર વર્ષે આવી ઘટનાઓ સામે આવે છે. તેમ છતાં આપણે તેમાંથી કંઈ શીખી રહ્યા નથી. દરેક વખતે સરકાર તરફથી પિડીતોને વળતાર ચુકવી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવામાં આવે છે. પણ એ નક્કી નથી થતુ કે આખરે આરીતે માનવ જીવન સાથે રમાતી રમત પાછળ જવાબદાર કોણ છે? આજ લાપરવાહીની જમીન પર બીજી દુર્ઘટનાની પુષ્ઠભુમી રચતી હોય છે.
એક રિપોર્ટ મુજબ ૧૯૮૦થી લઈને ૨૦૦૭ સુધી દુનિયા ભરમાં ભાગદોડની આવી ૨૧૫ ઘટનાઓ સામે આવી હતી. જેમાં ૭,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે ૨૫,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. વર્ષ ૨૦૦૫માં બગદાદમાં એક ધાર્મિક જુલુસ દરમિયાન ૭૦૦ લોકોના મોત થયા હતા. જયારે ૨૦૦૬માં મીના ઘાટીમાં હજ દરમિયાન લગભગ ૪૦૦ લોકોના મોત થયા હતા. ૨૦૧૫માં આવી ઘટના બની હતી. જેમાં શૈતાનને પત્થર મારવા દરમિયાન મચેલ ભાગદોડમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા. ઈન્ટર નેશનલ જર્નલ ઓફ ડિજાસ્ટર રિસ્ક રિડક્શનમાં પ્રકાશિત સર્વે મુજબ આવી ૭૯ ટકા ઘટનાઓ અફવાઓના કારણે સર્જાતી હોય છે. ભારતમાં પણ આવી ૩૪ ઘટનાઓ સામે આવી છે. જેમા હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. નેશનલ ક્રાઈમ બ્યુરોના આંકડા મુજબ દેશમાં ૨૦૦૦થી ૨૦૧૨ દરમિયાન થયેલ ભાગદોડમાં કુલ ૧૮૨૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
ભારત અને દુનિયાના અન્ય દેશોમાં ધર્મ અને આસ્થાને લઈને લોકોમાં અતુટ વિશ્વાસ છે. ધર્મપ્રત્યેના આ વધારે પડતા વિશ્વાસના કારણે આપણે જરૂરીયાતમંદ લોકોને સહાય કરવાની જગ્યાએ આવા ધાર્મિક કાર્યક્રમોમાં બંન્ને હાથ ખોલીને દાન કરીએ છીએ. નવાઈની વાત તો એછે કે અનીતિ, અધર્મ અને અનૈતિક્તાનુ કામ કરીને પણ આપણે કુદરત પાસે એવી આશા રાખીએ છીએ કે તેઓ આપણા પાપોને ધોઈ નાખશે. અને પાપ ધોવાની લાલચ આપણને ધાર્મિક મેળાવડાઓ સુધી લઈ જાય છે. પરિણામે આવી ભાગદોડની ઘટનાઓ સામે આવે છે. હજારો લોકો કાળનો કોળીયો બની જાય છે. માન્યુ કે ધર્મ આપણી આસ્થા સાથે જોડાયેલ વિષય છે. પણ આસ્થાનો અર્થ એ નથી કે આપણે ધર્મની અંધશ્રદ્ધામાં પોતાની અને પરિવારની જિંદગી દાંવ પર લાગાવી દઈએ. આવી બાબાતોમાં લોકોએ જાગૃત થવુ પડશે. ત્યારે જ આવી ઘટનાઓને અટકાવી શકાશે. નહી તો આવી રીતે જ લોકો મરતા રહેશે અને મોતનુ આ તાંડવ ચાલ્યા કરશે. આવા આયોજનોને વોટબેંક સાથે જોડી શકાય નહી. કારણ કે આવી ઘટનાઓમાં જન અને ધન બન્નેનુ નુકશાન થાય છે. મારા-તમારા માટે આ ધાર્મિક મેળાવડો હશે પણ કેટલાક પરિવારો માટે તે જીવનભર ન ભુલી શકાય તેવા દુખનુ કારણ બની જતો હોય છે..

Comments