મહિલાઓએ સ્વરક્ષા માટે સ્વયં દંડો ઉઠાવવો પડશે

ભારતીય સમાજમાં મહિલાઓની છેડતી સાવ સામાન્ય વાત થઈ ચુકી છે. આવી કોઈ વાત આપણા અંતરઆત્માને જગાડવામાં નિષ્ફળ સાબિત થાય છે. યૌન ઉત્પીડન સાથે જોડાયેલ સમાચાર રોજે રોજ વાંચીને લોકો એટલા નિર્જીવ થઈ ચુક્યા છે કે આ વિષય અંગે ખુલીને વાત કરવી પણ હવે જરૂરી નથી લાગતી.
એક તરફ ભારત વિશ્વમાં મહાશક્તિ બનવાના સ્વપ્ન જોઈ રહ્યુ છે. ત્યારે બીજી તરફ દેશની અડધાથી વધારે વસ્તીને મુળભુત સુવિધાઓ અને સુરક્ષા આપવામાં નિષ્ફળતા મળી છે. સમાજ આજે પણ એજ પુરુષવાદી દંભમાં જીવી રહ્યો છે જ્યાં મહિલાઓ યૌન જરૂરીયાતો સંતોષવાના રમકડાથી વધારે કંઈ નથી. સરકાર નારાઓ આપે છે કે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ પણ આ બેટીઓને બચાવવા કે ભણાવવા માટેના પર્યાપ્ત પ્રયત્નો અથવા એમ કહો કે નિયતનો અભાવ જોવા મળી રહ્યો છે. એવી એક પણ યોજના નથી જે દેશની દિકરીઓની સુરક્ષાની ગેરંટી આપે. દેશની પુત્રીઓને કહી શકે કે તમે આ દેશમાં ગમે ત્યારે, ગમે ત્યાં ફરવા માટે સ્વતંત્ર છો. આવા સામાજિક વાતાવરણમાં એક જ ઉપાય બચે છે. જેમાં મહિલાઓ પોતાની સુરક્ષા માટે સ્વયં સજ્જ બને. જેની પહેલ પણ થઈ ચુકી છે.
કર્નાટકના બેલગામ શહેરથી માત્ર ૧૨ કિલોમીટર દુર એક ગામ આવેલ છે. ગામનુ નામ વાધવાડે છે. જેની બાળકીઓ શાળાએ જતા સમયે પોતાની સાથે એક દંડો રાખે છે. જેથી કોઈ રોમીયો તેમની છેડતી કરવાનો પ્રયત્ન કરે તો તેને યોગ્ય સબક શિખવાડી શકાય. આ ગામમાં દર અઢવાડીયે લગભગ અડધા ડઝન જેટલા યૌનશોષણના કેસ સામે આવે છે. શાળાએ જતી નાની નાની બાળકીઓથી લઈને પ્રૌઢ મહીલાઓ સુધી આ ગામમાં કોઈ મહિલા સલામત નથી. ગામ લોકોનુ કહેવુ છે કે આ રોમીયોગીરી કરનાર યુવકો પડોશી ગામ માર્કંડેયમાંથી આવે છે. આ મામલે બંન્ને ગામો વચ્ચે લાંબા સમયથી ઝઘડો પણ ચાલ રહ્યો છે. સ્થિતી એટલી હદે કથળી ચુકી છે કે જ્યારે કોઈ મહિલા આ ઘટનાની માહીતી પોતાના ધરના લોકોને કહે તો ઉલ્ટાનુ તેમના પર જ પાબંદીઓ લાદી દેવામાં આવે છે. તેમનુ ઘરમાંથી નિકળવુ બંધ થઈ જાય છે. જેના કારણે મોટાભાગના કેસમાં મહિલાઓ મૌન જ રહેવાનુ પસંદ કરે છે. પણ મહિલાઓનુ આ મૌન લુખ્ખા તત્વોની હિંમત વધારનાર તત્વ બની રહ્યુ છે.
આવી સ્થિતીમાં એક એનજીઓએ આ ગામની મહિલાઓને પોતાની સાથે એક દંડો રાખવાની સલાહ આપી. સાથે જ પોલીસ અને એનજીઓનો નંબર પણ આપ્યો જેના પર ફોન કરીને આવી ઘટનાઓથી બચી શકાય. આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી હતી જ્યારે એનજીઓમાં કામ કરતા એક કર્મચારીની પત્ની સાથે પન છેડતીની ઘટના બની. એનજીઓએ આ અંગે પોલિસને સુચના આપી તો પોલીસ તરફથી પણ હજી કોઈ પગલુ ઉઠાવવામાં આવ્યુ નથી. પરિણામ એ છે કે આ ગામમાં મહિલાઓ આજે પણ અસલામત છે. જો આવી જ સ્થિતી રહેશે તો હવે એ દિવસ દુર નથી જ્યારે દેશના દરેક ખુણે મહિલાઓએ આત્મરક્ષા માટે સ્વયં દંડો ઉઠાવવો પડશે.

Comments