ત્રિપલ તલાક નહી, ઝડપથી થતા તલાક મોટો ખતરો

ભારતીય સમુદાય વર્ષોથી કુરીવાજોની જંજીરોમાં જકડાયેલો રહ્યો છે. રીવાજ શબ્દ જ જાણે કે એક બંધનનો અનુભવ કરાવતો હોય તેવો લાગે છે. તેમાંય કેટલાક સમાજોના રીવાજો તો એટલા જડ છે કે તે ભારતીય બંધારણે આપેલ અભિવ્યક્તિ અને વાણી સ્વતંત્રતાના અધિકારનો ભંગ કરે છે.
ભારતને આઝાદી મળ્યે ૬૯ વર્ષથી વધુ સમય થઈ ચુક્યો છે. પણ સામાજિક રીવાજોમાં સુધારાના નામે કેટલાક સમાજો આજે પણ શુન્ય કહી શકાય તેવી જ સ્થિતીમાં છે. પરિણામ એ આવ્યુ છે કે આવા સમાજોના લોકો અને ખાસ કરીને મહિલાઓ સામાજિક અને આર્થિક રીતે પગભર બની શક્યા નથી. ભારતની આર્થિક પ્રગતિના અવરોધક પરીબળોમાં ક્યાંક આ પણ એક મોટુ પરીબળ હોઈ શકે છે. વાસ્તવમાં આવા કુરીવાજો કોઈપણ સમાજ માટે ઈચ્છનીય ગણી શકાય નહી. કેટલાક સમાજોએ આવા રીવાજોને વર્ષો પહેલા ફગાવી દીધા હતા. જોકે બદ્દનસીબ ગણો કે સમાજની જડતા કેટલાક સમાજો આજે પણ આ દુષણોથી પીડાઈ રહ્યા છે.
મુસ્લિમ સમુદાયની વાત કરીએ તો વર્ષોથી ત્રિપલ તલાકની પ્રથા અસ્તિત્વમાં છે. સાથે જ બહુવિવાહ જેવા દુષણો પણ લોકોના પગની બેડીઓ બનેલા છે. આજથી ૩૨ વર્ષ પહેલા વર્ષ ૧૯૮૫માં શાહ બાનો નામની એક મહિલાના કેસમાં સુપ્રિમ કોર્ટે મુસ્લિમ મહિલાઓના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. આ સમયે સમયે મુસ્લિમ સમુદાયનો પણ એક મોટા વર્ગે પણ કોર્ટના ચુકાદાનુ સમર્થન કર્યુ હતુ. તેમ છતાં તત્કાલીન રાજીવ ગાંધી સરકારે કટ્ટરવાદી તત્વો સામે ઝુકીને સંસદમાં બહુમતીના જોરે આ ચુકાદાને રદ્દ કરી દીધો હતો. સમાજની પ્રગતિને માત્ર ધાર્મિક કટ્ટરતા જ નહી પણ સરકારની મતમેળવવાની ઘેલસા કઈ રીતે નુકશાન પહોંચાડી શકે તે બાબતનુ આ સૌથી મોટુ ઉદાહરણ હતુ. વર્તમાન સરકારનુ સોગદનામુ આ સંદર્ભે થોડુ અલગ લાગે પણ તેની પાછળનો ઉદ્દેશ્ય પણ ક્યાંક આજ રહેલો છે. એટલે કે આ સોગદનામુ પણ અંતે તો મુસ્લિમ કટ્ટરવાદીઓને મનમાની કરવાની મંજુરી જ આપે છે.
તમામ વચ્ચે મુળ સમસ્યા સામે આંખ મીચોમણી કરવામાં આવી રહી છે. કુરાનમાં પણ ત્રિપલ તલાકમાં ૯૦ દિવસની મુદ્દત આપવાનો ઉલ્લેખ છે. પતિ ઇચ્છે ત્યારે ત્રણ વખત તલાક બોલીને સબંધ તોડી શકે તેવો તો કોઈ ઉલ્લેખ ક્યાંય નથી. પણ સરકાર પોતાના સોગદનામાં આ બાબત અંગે કોઈ ફર્ક પાડ્યા વગર ત્રિપલ તલાકની પ્રથા રદ્દ કરવાની સલાહ આપી રહી છે. વાસ્તવમાં મહિલાઓ માટે ખતરો ત્રિપલ તલાક નથી, પણ ઝડપથી આપવામાં આવતા તલાક છે. તેમજ આ બાબત માત્ર મુસ્લિમ સમાજ માટે જ નહી અન્ય સમાજો માટે પણ એટલી જ ખતરનાક છે. પ્રાચીન સમયમાં લગ્નએ પવિત્ર સબંધ મનાતો હતો, સાત ભવનુ બંધન મનાતુ. પણ આજે સાત વર્ષ, સાત મહિના, સાત દિવસ કે પછી સાત કલાકમાં પણ લગ્ન તુટ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી છે. સમાજ આધુનિક બનતા આજે મોટાભાગના સમાજોમાં સમુલગ્નની પ્રથાઓ અસ્તિત્વમાં આવી છે. આ સમુલગ્નોમાં થતા લગ્નો પૈકી ૨૦ ટકા લગ્નો એક વર્ષથી વધુ ટકતા નથી.
કેટલાક લોકો આ માટે આધુનિક્તાને જવાબદાર ગણાવે છે. પરંતુ વાસ્તવમાં આવી ઘટનાઓનુ મુળ પણ આપણા સમાજમાં વર્ષોથી અસ્તિત્વમાં રહેલ કુરીવાજોમાં રહેલા છે. સમયની સાથે આ કુરીવાજો દુર થવાની જગ્યાએ દિવસેને દિવસે વધી રહ્યા છે અને સૌથી મોટી બદકિસ્મત એ છે કે આ કુરીવાજોના પાલનને લોકો સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડી રહ્યા છે.

Comments