રામ વિમુખ થવાનુ જોખામ ઉઠાવી શકાય નહી

તુલસીદાસજીએ રામચરિત માનસની રચના કરી છે, જેના લંકા કાંડમાં રાવણ વધનો ઉલ્લેખ આવે છે. તુલસીદાસ લખે છે કે રાવણના મોત બાદ તેની પત્ની મંદોદરી પતિના મૂતદેહને જોઈને રડતી આંખે બોલે છે કે “राम बिमुख अस हाल तुम्हारा…रहा न कोऊ कुल रोवन हारा.” એટલે કે રામથી દુર રહીને તમારી હાલત આવી થઈ છે.. કે હવે તમારા મોત પર રોવા માટે પણ ખાનદાનમાં કોઈ રહ્યુ નથી. મંદોદરીની આ વ્યથા સાંભાળવા માટે તે સમયે તો રાવણ તો હાજર ન હતો. પરંતુ આપણા નેતાઓએ મંદોદરીની આ વાત ગળે બાંધી લીધી છે. એટલે તો તેમણે સંકલ્પ કર્યો છે કે કોઈપણ ચુંટણી આવે તે રામને પોતાનાથી દુર નહી રહેવા દે.
છેલ્લા લગભગ બે દાયકાથી જ્યારે પણ ચુંટણી આવે છે નેતાઓને રામ યાદ આવે છે. પ્રાચીન સમયમાં રામના નામે પથ્થર તરી જતા હતા, એટલે એનો મતલબ એવો નથી કે નેતાઓ પણ તરી જશે, પણ નેતાઓ પાસે તેનો પણ વિકલ્પ ઉપલબદ્ધ છે. જ્યારે લાગે કે એકલા રામના નામથી નાવ તરે તેમ નથી, એટલે હિંદુત્વના અન્ય મુદ્દાઓ ઉપલબ્ધ જ હોય છે. ઉદારહણ જોઈએ તો ૨૦૦૨માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચુંટણી પહેલા અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદે ‘શિલા પુજન’ અભિયાન ચલાવ્યુ, ૨૦૦૪ની લોકસભાની ચુંટણી પહેલા ‘ચાલો અયોધ્યા’ અભિયાન ચાલ્યુ, વર્ષ ૨૦૦૭ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચુંટણી પહેલા ‘રામ પ્રતિમા પુજન’ અભિયાન, ૨૦૧૨માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચુંટણી પહેલા અયોધ્યામાં ‘રાષ્ટ્રીય સંત સમ્મેલન’નુ આયોજન, ૨૦૧૪ની લોકસભાની ચુંટણી પહેલા અયોધ્યામાં ૮૪ કોસી પરિક્રમા કરવામાં આવી, સપ્ટેમ્બર ૨૦૧૪માં ઉત્તર પ્રદેશ પેટાચુંટણી પહેલા ‘લવ જેહાદ’ અને ‘ઘર વાપસી’ જેવા મુદ્દઓ ગુંજતા સંભળાયા અને હવે ફરી રામ નામ ગુંજી રહ્યુ છે. કારણ સ્પષ્ટ છે, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચુંટણી નજીક છે.
આ વખતે કેન્દ્રીય પર્યટન મંત્રી મહેશ શર્મા અયોધ્યામાં રામાયણ મ્યુઝીયમ બનવાનુ અભિયાન લઈને નિકળ્યા છે. આ માટે જમીન પસંદ કરી લેવામાં આવી છે. જો કેે એ પહેલા અયોધ્યામાં જમીન શોધવા માટે કેન્દ્રીય મંત્રી શહેરમાં કાર લઈને ફરતા નજરે પડ્યા હતા. પહેલા જમીન જોવા માટે નવા ઘાટ ગયા, પણ અહીં જમીન ડુબવાનો ખતરો હતો. બીજી જમીન જોઈ તો જાણવા મળ્યુ કે આ જમીન પર તો મુખ્યમંત્રી અખિલેશ યાદવ પોતે ‘રામકથા થીમ પાર્ક’ બનાવી રહ્યા છે. જો કે અંતે રામકથા થીમ પાર્કની બાજુની જ જમીન પસંદ કરાઈ. મહેશ શર્મા કહે છે કે આ રામાયણ મ્યુઝીયમ અયોધ્યામાં પ્રવાશનને વેગ આપવા માટે બનાવવામાં આવી રહ્યુ છે. પણ ભાઈ, પ્રવાશનને વેગ આપવાતો ગુજરાતથી લઈને આસામ સુધી અને કાશ્મિરથી લઈને કન્યાકુમારી સુધી તમામ સરકારો પ્રયત્ન કરે છે. પરંતુ તેના માટે જમીન શોધવા કેન્દ્રીય મંત્રી શહેરમાં ફરતા તો નજરે પડતા નથી. તેમજ આ મ્યુઝીયમની જાહેરાત માટે વિહીપના કારસેવકપુરમાં કેન્દ્રીયમંત્રીએ ભવ્ય જાહેરસભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આવી જાહેરસભા પણ પ્રવાશનને પ્રોત્સાહન આપવા માટે પહેલા દુનિયામાં ક્યાંય યોજાઈ નથી અને આમ પણ પ્રવાશનને પ્રોત્સાહન માટે પ્રવાશીઓ સામે પ્રચાર કરવાનો હોય, શહેરના જ લોકો સામે નહી.
આમ તો, આ સમગ્ર ઘટનાક્રમ ૧૧ ઓક્ટોબરથી શરૂ થયો હતો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનૌમાં દશેરામાં જય શ્રી રામના જયઘોષ સાથે પોતાના ભાષણની શરૂઆત કરી, પછી ૧૬ ઓક્ટોબરે સુબ્રમણ્યમ સ્વામીએ અલ્હાબાદમાં જાહેરાત કરી કે ૨૦૧૯ની લોકસભાની ચુંટણી પહેલા રામ મંદિર બની જશે. ૧૭ ઓક્ટોબરે કેન્દ્રીય કેબીનેટે રામાયણ મ્યુઝીયમ બનાવવા માટે બજેટ મંજુર કર્યુ અને ૧૮ ઓક્ટોબરે તો કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા રામાયણ મ્યુઝીયમ બનાવવા અયોધ્યા પહોચી ગયા. બોલો આટલી ઝડપી આ પહેલા ભારતમાં કોઈ યોજના મંજુર અને શરૂ થઈ છે?
અયોધ્યામાં ભગવાન રામ તો ત્રેતા યુગમાં રહેતા હતા, પણ આજે કલયુગમાં અહીં એક લાખથી વધુ લોકો રહે છે. જેઓ આજ દિવસ સુધી માળખાગત સુવિધાઓથી વંચિત છે. અયોધ્યાની સૌથી મોટી સમમ્યા ત્યાંની ગંદકી છે. અયોધ્યાની ગલીઓ કચરાના ઢગલા ખડકાયેલા છે. રામના નામથી બનેલ આ શહેર આજે ગંદકીના કારણે ગંધાઈ રહ્યુ છે. પણ નેતાઓને આ બાબતની કોઈ પડી નથી, કારણ કે જ્યાં વોટ રામના નામથી મળતા હોય ત્યાં લોકોની સુવિધાઓની ચિંતા કોણ કરે?

Comments