લોન માફીથી દેશના ખેડુતોનુ ભલુ થવાનુ નથી



દેશના રાજકારણમાં ખેડુતો હમેંશા કેન્દ્ર બિંદુ સમાન રહ્યા છે. તેનુ કારણ કદાચ એ હશે કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે તેવી માન્યતા વર્ષોથી આપણે પળી બેઠા છીએ. એટલ જ તો વોટ મેળવવા માટે એક કે બીજી પાર્ટી અવનવી રીતે ખેડુતોને આકર્ષવ પ્રયત્ન કરે છે. તાજેતરમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ૨,૫૦૦ કિલોમીટર લાંબી ખેડુત યાત્રા કરી હતી. પાર્ટીનો દાવો છે કે, જો તેઓ સત્તા પર આવશે તો ખેડુતોની દુર્દશા દુર કરી દેશે. આ માટે પાર્ટીએ વિચત્ર કહી શકાય તેવો ત્રિ-સુત્રીય કાર્યક્રમ જાહેર કર્યો છે. ‘ખેડુતોની લોન માફ’, ‘વિજળી બિલ હાફ’ અને ‘ખેડુતોની આવક ડબલ’. ચુંટણી સંદર્ભે તો માની લઈએ કે કોંગ્રેસના આ ત્રણેય વચનો ખેડુતોને આકર્ષીત કરે. પરંતુ શું એનાથી ખેડુતોની સ્થિતીમાં કંઈ સુધાર આવશે? તો જવાબ છે ના..
ફેબ્રુઆરી ૨૦૦૮માં કેન્દ્રની યુપીએ સરકારે લોકસભાની ચુંટણી જીતવા માટે ખેડુતોની લોન માફ કરી દીધી હતી. તેનુ પરિણામ પણ ફળ્યુ. કોંગ્રેસ વધારે મજબુતાઈ સાથે સત્તામાં આવી. પરંતુ લગભર ૭૦,૦૦૦ કરોડની લોન માફ કરવા છતાં દેશમાં આજે ખેડુતોની સ્થિતી જ્યાં હતી ત્યાની ત્યાંજ છે. બીજુ તો ઠીક છે દેવાના કારણે ખેડુતોની આત્મહત્યાની સંખ્યામાં પણ ઘટાડો થયો નથી. એટલે કે ખેડુતોની આર્થિક સ્થિતીમાં કોઈ સુધારો થયો નથી. લોન માફ થવા છતા આવકના અભાવમાં ખેડુતો બીજા દેવામાં ફસાઈ ગયા. સવાલ એ પણ છે કે શું આ લોન માફીનો લાભ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચ્યો હતો, ના.. કારણ કે બેંકમાંથી પાક ધિરાણ સહીતની લોન લેનાર મોટા ભાગના જાગીરદારો હતો. વાસ્તવમાં નાના ખેડુતો અને ખેતમજુરોને તો બેંકો લોન આપતી જ નથી. એટલે આ લોન માફીનો લાભ પણ મોટા ખેડુતો અને જમીનદારોને મળ્યો. જ્યારે સાચા લાભાર્થી એવા નાના ખેડુતો અને ખેતમજુરોને આવી કોઈ સરકારી યોજનાનો લાભ મળતો જ નથી. તો પછી આવી યોજનાઓથી કે આવા પગલાથી ખેડુતોની આર્થિક સ્થિતી ક્યાંથી સુધરવાની? આત્મહત્યા કેવી રીતે અટકવાની?
વિચારવા જેવી વાત એ પણ છે કે દેશમાં ખેતીને છોડીને બાકી તમામ વ્યવસાયોમાં દૈનિક મજુરીના દર સરકારે નક્કી કરી રાખ્યા છે. તો પછી ખેતમજુરો માટે કેમ આવી કોઈ યોજના નથી? આજે પણ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતો ૧૦૦ રૂપિયા કરતા પણ ઓછી દૈનિક મજુરી પર કામ કરવા માટે મજબુર છે. એક રીતે જોઈએ તો મોટા ખેડુતો અને જમીનદારો દ્વારા ખેતમજુરોનુ શોષણ થઈ રહ્યુ છે. પરંતુ સરકાર ખેડુત વર્ગ નારાજ ન થઈ જાય એવા ડરથી મૌન બેઠી છે. સરકાર ગમે તેટલા દાવા કરે પણ એ સત્યને નકારી શકાય તેમ નથી કે શાહુકાર પ્રથા આજે પણ દેશમાં અસ્તિત્વ ધરાવે છે, ઉલ્ટાની સમયની સાથે સરકારની નબળી નિતીઓથી આ પ્રથા વદુ મજબુત બની છે. પરિણામે સરકાર જેને ખેડુતો ગણીને લોન માફી, સબસીડી સહીતના જે લાભો આપી રહી છે તે ખેડુતો સુધી નહી પરંતુ આવા શાહુકારોના ઘરોમાં પહોંચી રહ્યા છે.
એક વિચારવા જેવી બાબત એ પણ છે કે આજના નેતાઓ અને કહેવાતા સમાજસેવકો ખેડુતોના નામે અનેક ઘણી જમીન ખરીદીને બેઠા છે. આ જમીનો પર મળનાર સસ્તી લોન પોતે લે છે. તેમાં મળતા સબસીડી સહીતના લાભો ખાઈ જાય છે અને સામે પક્ષે સાચા ખેડુતોને ભાગીયા(ભાગીયા શબ્દ શહેરીવિસ્તારો માટે નવો હશે પણ ગ્રામ્ય વિસ્તારોમાં આજ પ્રથા ચાલે છે) રાખીને કે પછી ખેતમજુરના રૂપમાં સસ્તા ભાવે મજુરી કરાવીને તેમનુ શોષણ કરી રહ્યા છે. આવા નાના ખેડુતો અને ખેતમજુરોને નામે જમીન ન હોવાથી તે સાચા ખેડુત હોવા છતાં ન તો તેમને સરકારી યોજનાનો લાભ મળે છે કે ન રાહત.. તો પછી સરકાર ગમે તેટલી યોજનાઓ બહાર પાડે, ગમે તેટલી લોન માફ કરે આ લોકોની સ્થિતી કેવી રીતે સુધરવાની?
રાહુલ ગાંધી કે કોંગ્રેસ જો ખરે-ખર ખેડુતોનુ ભલુ ઇચ્છતા હોય તો ખેડુત યાત્રા અને ખેડુતોની લોન માફી જેવા તાયફા બંદ કરીને પોતાની દાદી ઈન્દિરા ગાંધીને અનુસરવાની જરૂર છે. રાજકીય રીતે ગમે તેટલો વિરોધ હોય પણ એક વાત સ્વિકારવી જ પડે તેમ છે કે ઈન્દીરા ગાંધી ભારતના એક માત્ર એવા વડાપ્રધાન હતા જેમણે રાજકારણની ઉપર ઉઠીને ખેડુતોના હીતમાં નિર્ણય લીધા હતા. ‘જમીન ટોચ મર્યાદા ધારો’, ‘વાવે તેની જમીન, ખેડે તેનુ ખેતર’ જેવી યોજનાઓ તેનુ ઉદાહરણ છે. આ એજ સમય હતો જ્યારે દેશમાં શાહુકાર પ્રથાને તોડી પાડવામાં આવી હતી. ગરીબ ખેડુતો અને ખેતમજુરોને જમીન માલીકીના હક આપવામાં આવ્યા હતા. પરંતુ દુઃખ સાથે કહેવુ પડી રહ્યુ છે કે આજે ફરી એક વાર શાહુકાર અને જાગીરદાર જેવી પ્રથાઓ સ્થાપિત થઈ ચુકી છે. માત્ર ફરક એટલો છે કે પહેલા આ પ્રથા નિચ્ચીત જ્ઞાતિઓ સાથે સંકળાયેલી હતી, જે હવે રાજકારણીઓની આજુબાજુ વણાઈ ગઈ છે. તેમજ તેની આડમાં ખેડુતો અને ખેત મજુરોનુ શોષણ થઈ રહ્યુ છે. તેમજ આ પ્રથા જ્યાં સુધી નાબુદ નહી થાય ત્યાં સુધી હું છાતી ઠોકીને કહી શકુ છુ કે ગમે તેટલી લોન માફ કરો.. ગમે તેટલી સબસીડી આપો.. ગમે તેવી યોજનાઓ લાવો.. ન તો આ દેશમાં ખેડુતોનુ ભલુ થશે કે ન તો ખેડુતોની આત્મહત્યા અટકશે…

Comments