ચીનીને શબક શિખવાડવા ભગીરથ બનવુ પડે


કસમ, સોગંદ, પ્રતિજ્ઞા જેવા શબ્દો ખુબ જ પ્રચલીત છે. વર્ષોથી આ શબ્દો બોલાતા આવા છે. વૈજ્ઞાનીક ભાષમાં આ શબ્દોનો અર્થે આપણે ‘દ્રઢ નિર્ધાર’ એવો કરી શકીએ, એવો દ્રઢ નિર્ધાર જે હિમાલયને ચીરીને તેમાંથી ગંગાની ધારાને નિકાળી શકે. આવો નિર્ધાર કરી ભગીરથ સફળતાની ગાથા લખી ચુક્યા છે. તો ભિષ્મ પણ પોતાની ‘પ્રતિજ્ઞા’થી માનવસભ્યતામાં અમર થઈ ગયા. આજે પણ ગામે ગામ, ગલીએ ગલીએ કે એમ કહો કે ઘરે ઘરે આવા ભગીરથ અને ભીષ્મ મળી આવશે, પણ સવાલ એ છે કે શું ભગીરથ કે ભીષ્મની જેમ આપણામાં પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની દ્રઢ ઈચ્છા શક્તિ છે?
અત્યારે ચાઈનીજ સામાનનો બહિષ્કાર કરીને ચીનને શબક શિખવાડવાની પ્રતિજ્ઞા લેવાઈ રહી છે. પણ પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટેનો દ્રઢ નિર્ધાર આપણામાં છે? શું એ વાતો જાણો છો કે આ પ્રતિજ્ઞાઓને પૂર્ણ કરવા માટે આખી Life Style બદલવી પડે. કારણ કે ચીન માત્ર એક દેશ નથી, તે અત્યારે દુનિયાના તમામ દેશોની Life Style બની ચુક્યો છે. ચીન લોકોના જીવનમાં એ હદે ઘુસી ચુક્યો છે કે તેનાથી પીછો છોડાવવો અશક્ય તો નથી પણ મુશ્કેલ ચોક્કસ છે. આ માટે ભારતને દુનિયાની સૌથી મોટી ફેક્ટરી બનાવવી પડશે. ૧૩૨ કરોડની વસ્તી ધરાવતુ ભારત અત્યારે દુનિયાનુ સૌથી મોટુ બજાર છે અને આ વાતનો જ ફાયદો ચીન ઉઠાવી રહ્યુ છે. ભારતની જેમ ચીન પણ દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. પરંતુ તે પોતાને Global Manufacturing Hub બનાવી ચુક્યો છે. દુનિયાભરની કંપનીઓ ચીનમાં પોતાનો સામાન બનાવડાવે છે અને પછી તે જ સામાન પોતાની બ્રાંડના નામે બજારમાં વેચે છે.
ભારત પણ ચીનની જેમ રોકાણકારો માટે સારુ વાતાવરણ સર્જીને, ટેક્સ સિસ્ટમ બદલી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરીને અને ભ્રષ્ટાચાર રોકીને Global Manufacturing Hub બની શકે છે. Make in India યોજના પણ આજ વાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે. યોજનાનો ઉદ્દેશ્ય છે કે દુનિયાભરની કંપનીઓ ભારતમાં આવીને મેન્યુફેક્ચરીંગ, ડીઝાઈન અને ઈનોવેશન કરે. પરંતુ અત્યારે ભારતમાં એવી કંપનીઓ કાર્યરત છે જે યોજનાનો ઉપયોગ પોતાનો વેપાર વધારવા માટે જ કરે છે. આ કંપનીઓ ચીનમાંથી સામાન મંગાવી પ્રોડક્ટનુ રીબ્રાંડીગ કરી ભારતમાં સ્વદેશી પ્રોડક્ટના નામે વેચે છે. આ એક પ્રકારે કપટ છે. Make in Indiaના નામ પર દેશના લોકો સાથે થઈ રહેલ છેતરપીંડી છે.
ભારત અત્યારે દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. દેશનો વિકાસદર ૭.૬ ટકા છે. ભારત આ મજબુત આર્થિક વાતાવરણનો ફાયદો ઉઠાવી શકે તેમ છે. પણ કામચોર નોકરશાહી અને ભ્રષ્ટાચારી તંત્ર અને આળસુ લોકોના કારણે ભારત આ તક ગુમાવી રહ્યુ છે. ભારત ઇચ્છે તો સમગ્ર દુનિયાનુ મેન્યુફેક્ચરીંગ હબ બની શકે છે. કારણ કે ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જે દુનિયામાં સૌથી મોટુ બજાર હોવા બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ ધરાવે છે. લોકોએ એક વાત સ્વિકારવી પડશે કે ચીને દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા ખુબ મહેનત કરી છે. જે મહેનત કરવા આપણે તૈયાર નથી. વાઈટ કલર જોબ જોઈએ, ઉપરી આવક જોઈએ, વિકેન્ડમાં રજા જોઈએે, વેકેશન જોઈએ.. આ એવી બાબતો છે જે ભારતને ચાઈનીજ પ્રોડક્ટ વાપરવા માટે મજબુર કરી રહી છે. નહી તો ૧૩૨ કરોડની વસ્તી ધરાવતો દેશ, યુવા ટેલેન્ટની ભરમાર, મજબુત અર્થવ્યવસ્થા હોવા છતાં કોઈ દેશ Global Manufacturing Hub કેમ ન બની શકે?
માત્ર લોકો જ નહી સરકાર પણ આ સ્થિતી માટે જવાબદાર છે. કોઈ પણ દેશને વિકાશમાં તે દેશમાં થતા રિસર્ચ અને સંશોધન મહત્વના છે. કારણ કે સંશોધનથી જ જાણી શકાય છે કે આપણી જરૂરીયાત શું છે? અને તે મુજબનુ આયોજન થઈ શકે છે. પરંતુ ભારતમાં સંશોધન માટે જીડીપીના માત્ર ૦.૮૨ ટકા રકમ ખર્ચવામાં આવે છે. જે સ્લોવાકિયા અને પોલેન્ડ જેવા દેશો કરતા પણ ઓછી છે. જ્યારે ચીન જેવા દેશો તો સંશોધન પાછ જીડીપીના ૨ ટકા રકમ ખર્ચે છે. ભારતમાં સંશોધનનુ મહત્વ સમજવવામાં આવતુ નથી. સરકાર એવુ વિચારે છે કે તૈયાર સાધનો અને ટેકનોલોજી મળી જાય એટલે બસ. સંશોધન પાછળનો ખર્ચ કોણ કરે. આવી સ્થિતીમાં ભારત જો Global Manufacturing Hub બની જાય તો પણ ટેક્નોલોજી માટે બીજા જ દેશો પર નિર્ભર રહેવુ પડશે. તો પછી ભારતને માત્ર સસ્તા મજુરોનો દેશ બનાવી ફાયદો છું?

Comments